Gujarat Heritage Sidi Sayyid jaali Mosque

SIDI SAYAD MASZID


સીદી સૈય્યદ મસ્જિદ (ઝાલી) અહમદાબાદ

   ગુજરાતના અહમદાબાદ સ્થિત સીદી સૈય્યદ મસ્જિદ જે “સીદી સૈય્યદ ની જાલી” તરીકે જગવિખ્યાત છે, આ મસ્જીદ નું નિર્માણ શેખ સૈય્યદ અલ-હબશી સુલતાની (સીદી સૈય્યદ) દ્વારા (હિજરી વર્ષ 980) ઈ.સ.1572-73 માં કરવામાં આવ્યું હતું , તે ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા અહમદાબાદ શહેરની સૌથી પ્રખ્યાત મસ્જિદોમાંની એક મસ્જીદ તથા બારીક નકશીકામ વાળી જાળી માટે વિશ્વ વિખ્યાત છે.

ઈ.સ.1572 સીદી સૈય્યદ મસ્જિદનો  ઇતિહાસ

સીદી સૈય્યદ મસ્જિદના શિલાલેખ મુજબ આ મસ્જીદ એ સમયના ગુજરાત સલ્તનતના સેનાપતિ રૂમીખાન(તુર્કી)ના ગુલામ શેખ સઈદ અલ-હબશી સુલતાની (સીદી સૈય્યદ) દ્વારા ઈ.સ.1572-73માં નિર્માણ કરવામાં આવેલ છે. સીદી સૈય્યદ યમનથી ગુજરાત આવ્યો હતો અને તે પોતાની સાથે બે હબશી ગુલામોને પણ લાવ્યો હતો. સીદી સૈય્યદ ગુજરાત ના સુલતાન મહમુદ (ત્રીજા)ની સેવામાં લાગ્યો હતો.

સુલતાન મહમુદ (ત્રીજા)ના અવસાન બાદ તે સિપાહ સાલાર ઝુઝારખાન સાથે જોડાયો હતો, તેની ઉત્કૃષ્ટ કામગીરી ના કારણે તે મુખ્ય અમીર બન્યો હતો, સેવાનિવૃત થયા બાદ તેને જાગીરો મળી હતી, સિદી સૈય્યદે એક પુસ્તકાલય (લાઈબ્રેરી) બનાવેલ તથા તેણે 100 લોકો સાથે હજ્જ યાત્રા કરેલી હાલની સીદી સૈય્યદ મસ્જિદની જગ્યા પર એક નાની ઈંટોની મસ્જીદ હતી જેનું પુનર્નિર્માણ સીદી સૈય્યદ દ્વારા કરવામાં આવેલ જે ને આજે આપણે સિદી સૈય્યદ મસ્જીદ તરીકે ઓળખીએ છીએ, તેણે આ મસ્જીદની સાથે એક લંગરખાના (જાહેર રસોડું)ની પણ સ્થાપના કરેલી. ઈ.સ.1576માં સીદી સૈય્યદનું અવસાન થયું ત્યારે તેને તેના દ્વારા નિર્માણ કરવામાં આવેલ સીદી સૈય્યદ મસ્જિદની નજીક જ દફનાવવામાં આવ્યો હતો. આ મસ્જિદ ગુજરાત સલ્તનતના અસ્તિત્વના છેલ્લા વર્ષમાં બનાવવામાં આવી હતી.

સમય જતાં જયારે મરાઠાઓનું શાસન ગુજરાતમાં આવ્યું ત્યારે આ મસ્જીદ બિનઉપયોગી થયેલ, બાદમાં જયારે બ્રિટીશ શાસન આવ્યું ત્યારે આ સીદી સૈય્યદ મસ્જીદને 'દસક્રોઈ મામલતદાર કચેરી'માં રૂપાંતરિત કરવામાં આવેલ, એ સમયના ભારતના વાઇસરોય લોર્ડ કર્જન જયારે અહમદાબાદ મુલાકાતે આવ્યા અને આ સીદી સૈય્યદ મસ્જીદ તેણે જોઈને તરતજ તેણે આ એતિહાસિક તથા બેનમુન જાળીઓ વાળી મસ્જિદની જગ્યા ખાલી કરવા તથા તેની પૂર્ણ જાળવણી રાખવા હુકમ કરેલ.

                                 સીદી સૈય્યદ મસ્જીદ નું આર્કિટેક્ચર                               

                           એતિહાસિક સીદી સૈય્યદ મસ્જિદ સંપૂર્ણ રીતે બેનમુન છે, આ મસ્જિદની પાછળની કમાનો પર અતિ બારીક કોતરણીવાળી પથ્થરની જાળીઓ વાળી બારીઓ (જાલીઓ) આવેલી છે. આ જાળીઓમાં સુકાયેલા બે વૃક્ષોના સમુહને અદભુત રીતે કંડારવામાં આવેલ છે તેની બારીક કોતરણી વાસ્તવમાં અમુલ્ય છે અને આ કોતરણી વાળી જાળી ના કારણે આ સીદી સૈય્યદ મસ્જીદ પુરા વિશ્વમાં જાણીતી છે. અમદાવાદ શહેરનું બિનસત્તાવાર પ્રતીક પણ આ સીદી સૈય્યદ મસ્જીદની જાળી છે તથા IIOMA (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ)ના લોગોની ડિઝાઇન પણ સીદી સૈય્યદની જાલી છે.

                   સીદી સૈય્યદ મસ્જિદના વચ્ચેના ભાગમાં જાળીના બદલે પથ્થરની દીવાલ છે, સંભવ છે કે મુઘલોએ ગુજરાત પર આક્રમણ કર્યું તે પહેલાં આ મસ્જિદ તેની નક્કી થયેલી યોજના મુજબ પૂર્ણ નહીં થયેલી હોય અથવા બ્રિટીશ શાસકો દ્વારા કદાચ આ વચ્ચેની કોતરણીવાળી એક  જાળી ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવેલી હોઈ શકે છે.


Post a Comment

0 Comments