Zafar Khans rule over Gujarat End of Tughlaq dynasty


Gujarat 1391

ઈ.સ.1391 ગુજરાતના નાઝિમ (ગવર્નર) પદ્દ પર ‘ઝફરખાન’ની નિમણુક

            ‘સુલતાન મોહમ્મદખાન તુગલુક’ને ગુજરાતના નાઝિમ ‘મલેક મુફ્ફર્ર્હ’ (ફરહ’તુલ’મુલ્ક) ની એકતરફી તથા તેની બળવાખોર પ્રવૃત્તિ ની પૂર્ણ માહિતી મળતા તેણે આ બાબતમાં યોગ્ય કડક નિર્ણય કરવા દ્રઢનિશ્ચય કર્યો, ‘સુલતાને’ તેના અમીરો તથા મોલવીઓ સાથે ગહન મસલત કર્યા બાદ નિર્ણય કર્યો કે ગુજરાતનું નાઝિમ પદ સલ્તનતના વિશ્વાસુ ‘ઝફરખાન’ને સોપવું, તથા બળવાખોર ‘મલેક મુફ્ફર્ર્હ’ને સખ્ત નશ્યત કરવી, આમ ઉપરોક્ત સંજોગો જણાતા ‘સુલતાન મોહમ્મદખાન તુગલુકે’ ઈ.સ.1391 ફેબ્રુઆરીમાં પોતાના અતિ વિશ્વાસુ ‘ઝફરખાન’ની ગુજરાતના નાઝિમ તરીકે નિમણુક કરી.
                ‘ઝફરખાન’ દિલ્હી સલ્તનતના મહાન અમીરોમાં ગણનાપાત્ર અમીર ‘વજીહુલ’મુલ્ક’નો પુત્ર થતો હતો, સુલતાને તેને ગુજરાત રવાનગી પૂર્વે ‘મુઝ્ફ્ફરખાન’નો ખિતાબ (માન વાચક સંબોધન) એનાયત કર્યો હતો, આ ઉપરાંત ફક્ત સુલતાનો જેનો ઉપયોગ કરે એવા અમુક વસ્ત્રો તથા શ્વેત છત્ર પણ તેને સુલતાન દ્વારા ભેટ કરવામાં આવ્યા હતા.
     ‘ઝફરખાન’ અને સુલતાન વચ્ચે ગાઢ સબંધો હતા, જેથી ‘ઝફરખાન’ ગુજરાત રવાના થયો એ સમયે તેના પુત્ર તાતારખાન’ ને સુલતાને પોતાના પુત્ર તુલ્ય સમજી પોતાની પાસે રાખ્યો હતો, ‘ઝફરખાને’ એક લશ્કર સાથે દિલ્હીથી ગુજરાત તરફ કુચ શરુ કરી અને ક્રમશ રાજસ્થાન ના નાગોર ખાતે તે પહોચ્યો જ્યાં તેણે આરામ કરવા છાવણી નાખી હતી, અહીં તેને ગુજરાત તરફથી આવતા લોકો મળતા હતા જેથી તેણે પોતાની આગળની કાર્યવાહી શું કરવી તેના માટે ગુજરાતથી આવનારા લોકો પાસેથી માહિતીઓ મેળવવી શરુ કરી અને વાસ્તવમાં ‘મલેક મુફ્ફર્ર્હ’ દ્વારા સલ્તનત અને પ્રજાને કેટલી તકલીફ છે એનો વિસ્તાર પૂર્વક અહેવાલ બનાવવા તેણે શરૂઆત  કરી,

‘ઝફરખાને’ ‘મલેક મુફ્ફર્ર્હ’ સાથે સમાધાન માટે કરેલી કામગીરી

             ગુજરાત તરફથી આવતા લોકો પાસેથી ‘ઝફરખાન"ને ‘મલેક મુફ્ફર્ર્હ’ના બળવાખોરી બાબતમાં ઘણી માહિતીઓ મળી જેમાં ‘મલેક મુફ્ફર્ર્હ’ સ્થાનિક લોકો પર જુલમ ગુજારતો હતો, તથા તેણે જબરજસ્તી કરવેરાઓ પણ લાગુ કર્યા હતા, આ હકીકતો જાણ્યા બાદ ‘ઝફરખાને’ ‘મલેક મુફ્ફર્ર્હ’ને એક સ્પષ્ટ સંદેશ મોકલ્યો જેમાં તેણે ‘મલેક મુફ્ફર્ર્હ’ને સલ્તનત સાથે તુરંત સમાધાન કરવા જણાવ્યું હતું, તથા શાહી ફરમાનને સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો, પરંતુ ‘મલેક મુફ્ફર્ર્હ’ અત્યંત અભિમાની સ્વભાવ ધરાવતો હતો તથા શાહી ફરમાનોની અવગણના કરવાની તેને આદત પડી હતી, જેથી તેણે ‘ઝફરખાને’ મોકલેલા સંદેશની કોઈ દરકાર લીધી નહોતી અને અગાઉની માફક તે ‘ઝફરખાન’ને પણ પરાજય આપશે એવું વિચારી લડાઈ માટેની તેયારીઓ કરવા માંડ્યો હતો.

‘મલેક મુફ્ફર્ર્હ’ની અતિ આત્મવિશ્વાસ સાથેની અભિમાની નીતિ

  ‘ઝફરખાને’ પોતાની ગુજરાત તરફની કુચ ચાલુ રાખી હતી અને આ તરફ ‘મલેક મુફ્ફર્ર્હ’ લડાઈ માટે સેનીકો એકઠા કરવા ‘અણહિલવાડ’ પહોચ્યો હતો અહીં તેને ‘ઝફરખાન’ દ્વારા મોકલવામાં આવેલ સફીર (સંદેશ પહોચાડનાર) મળ્યો જેણે ‘ઝફરખાને’ ‘મલેક મુફ્ફર્ર્હ’ને ફરીથી સંદેશ પાઠવ્યો હતો, ‘ઝફરખાને’ એ સંદેશમાં ‘મલેક મુફ્ફર્ર્હ’ને જણાવ્યું હતું કે તમો દિલ્હી સુલતાન સમક્ષ હાજર થાઓ એ તમારા માટે યોગ્ય છે અથવા તમો કંઈપણ ગભરાટ વિના મારી પાસે રૂબરૂ હાજર થાઓ. આ સંદેશના જવાબમાં ‘મલેક મુફ્ફર્ર્હે’ કડક શબ્દોમાં તાબેદારી નહીં ઉઠાવવા જણાવ્યું હતું. ‘મલેક મુફ્ફર્ર્હે’ અગાઉ તેની જગ્યા પર નીમાયેલા નાઝિમ ‘સિકન્દરખાન’ સાથે લડાઈ કરીને તેને કતલ કરેલો ત્યારબાદ સલ્તનત તરફથી કોઈ કાર્યવાહી થયેલી નહોતી જેથી આ વખતે પણ એમજ થશે, ‘મલેક મુફ્ફર્ર્હ’ એમ સમજતો હતો.

‘ઝફરખાન’ અને ‘મલેક મુફ્ફર્ર્હ’ વચ્ચે લડાઈ જેમાં ‘ઝફરખાન’ વિજયી

‘ઝફરખાન’ પાસે એ વખતે ચાર હજાર ઘોડેસવાર સાથેનું લશ્કર હતું તેઓ ‘અણહિલવાડ-પાટ્ટણ’ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે આગળ ‘ગાંભુ’ નામના ગામ પાસે તેઓને ‘મલેક મુફ્ફર્ર્હ’ અને તેના લશ્કરનો સામનો થયો હતો, અહીં બન્ને પક્ષો વચ્ચે લડાઈ જામી હતી જેમાં ‘મલેક મુફ્ફર્ર્હ’ દ્વારા ‘ઝફરખાન’ ને કતલ કરવા પોતાના સેનીકો ને હુકમ કરવામાં આવેલો, આ લડાઈ દરમિયાન ‘ઝફરખાન’ના સેનિકે ‘મલેક મુફ્ફર્ર્હ’નો પીછો કર્યો અને એ સેનિકે પાછળથી મલેક મુફ્ફર્ર્હ’ પર જોરદાર પ્રહાર કર્યો જેના કારણે મલેક મુફ્ફર્ર્હ’ ઘોડા પરથી નીચે પટકાયો, બાદમાં બીજા સેનિકે પોતાની તલવારના જોરદાર પ્રહારથી મલેક મુફ્ફર્ર્હ’નું માથું ધડ થી જુદું કરી નાખ્યું હતું, આમ.. મલેક મુફ્ફર્ર્હ’ની કતલ થતાં તેના સેનીકો હતાશ થયા અને મલેક મુફ્ફર્ર્હ’ની કતલ સાથે તેઓની આ લડાઈમાં હાર થયેલી, બાદમાં ‘ઝફરખાન’ વિજયી બનીને ‘અણહિલવાડ-પાટ્ટણ’ પહોંચ્યો. આ સમગ્ર હકીકત ઈ.સ.1391 માર્ચમાં બની હતી.

Post a Comment

0 Comments